અનુભવ


કેટલાય ડુબેલાઓને પણ મેં તરતા જોયા છે;

કિનારે આવીને ઘણા ને ડૂબતા જોયા છે,

પરપોટાઓમાં પણ ગોબા પાડી શકે;

મેં એવા ભાલાઓ પણ જોયા છે,

તમે તો એક મેક ની વાત કરો છો;

મેં તો મારા ધબકારાઓને પણ કજિયા કરતા જોયા છે,

લોકો શોધતા રહે છે જવાબોને આજકાલ;

મેં જવાબોને પણ પ્રશ્નો પૂછતાં જોયા છે,

તમે શું કયામતની વાતો કર્યા કરો છો;

મેં ખુદાને ને હિસાબ કિતાબ કરતા જોયા છે,

વાત એટલીજ કે હું બોલું છું ને તમે ચૂપ છો;

બાકી મેં તમને પણ ક્યાંક કવિતા કરતા જોયા છે,

ચાલો હવે જવા દો સબંધ નથી બગાડવા;

મેં પણ તમને ‘માણસ માણસ’ રમતા જોયા છે,

એજ ડરથી જીભ પર તાળું મારીને બેઠો છું;

કે મેં પુતળાઓને પણ પ્રવચન કરતા જોયા છે,

આજે તમે ઓળખવાની ના પાડો છો;

ગઈ કાલે મેં તમને મારી સાથે જોયા છે,

 

આ જમાનામાં હવાનો પણ ભરોસો નથી;

મેં માણસોને ઓક્સીજન થી મરતા જોયા છે,

 

વધુ કહીશ તો પછી અતિશયોક્તિ જેવું લાગશે;

મેં મૂંગા બેરા ને વાતો કરતા જોયા છે,

 

ફિલસૂફીની વાતો કરવાનું રે’વા દો;

મેં ‘પ્લેટો’ ને એકવીસમી સદીમાં જોયા છે,

 

ડાહપણની વાતો હવે ના કરો તો સારું;

મેં ઈશ્વરની ભૂલો કાઢતા કારીગરોને જોયા છે,

 

બસ હવે બહુ થયું જવા દો મને, ‘ઇમરાન’;

મેં સજ્જનોની શેરીઓમાં કવિના જનાજા જોયા છે.

ઇમરાન ખાન ©

૩૧-૧૨-૨૦૧૫, ગુરુવાર

Posted in Open book | Leave a comment